શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઇ

શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઇ

Shree Lodhan ParshwaNath Dabhoi Tirth

શ્રી લોઢણ પાર્શ્વનાથાય નમ:

અંજન સમા વર્ણે રસ્યા પદ્માસનાર્થે રાજતા,

જે સપ્ત ફણ થી શોભતા ને સપ્ત ભય ઓગળતા,

દર્ભાવતીમંડન બની ભક્તોતણી ભીડ ભાંગતા,

તે પાર્શ્વપ્રભુ લોઢણ તણા પદ કમલમાં પ્રેમે નમું.

"ધર્મકૃપા ટ્રસ્ટ" નું કાર્યક્ષેત્ર દિવ્યધામ દર્ભાવતી તીર્થ :

દર્ભાવતીને જૈન તીર્થરૂપે જગવિખ્યાત કરનાર છે અચિંત્ય પ્રભાવ સંપન્ન શ્યામવર્ણ અર્ધપદ્માસનસ્થ પરમ પુરુષાદાનીય શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુ.

સાગરદત્ત શ્રેષ્ઠીએ વેણુથી આ પ્રતિમાજી બનાવ્યા. વર્ષો બાદ દૈવી સંકેતથી જૈન કુંવારી કન્યાઓએ કાચા સુતરના તાતણે ચાલણી બાંધી કૂવામાંથી આ પ્રતિમાજી બહાર કાઢયા. વેળુપિંડ વર્ષો સુધી કૂવામાં રહેવા છતાં એકે કણ ખર્યો નહિ, પરંતુ લોઢા જેવો થઇ જવાથી એમનું નામ લોઢણ પાર્શ્વનાથ પડયું.

દર્ભાવતી   મંડલ   મંડનં   યો,

નિ:શેષ   ભૂમિતલ-ભૂષણં   ય:

સ્વરૂપ  સંપત્તિ  નિકેતનમં  ય:

તં લોઢણં પાર્શ્વજિનં સ્તુવેડહમ


Jain Aacharya Shree DharmaSuri Ji M.S.

જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પૂજ્યપાદ

યુગદિવાકર આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.

સૌરાષ્ટ્રની ઐતિહાસિક પ્રાચીન નગરી વઢવાણ શહેરમાં વિ.સં. ૧૯૬૦ ના શ્રાવણ શુદિ - ૧૧, તા. ૨૧-૮-૧૯૦૪ રવિવારે પિતાશ્રી હીરાચંદભાઈ તથા માતા છબલબેનની કુક્ષીએ જન્મ ધરનાર શ્રી ભાઈચંદકુમાર વિ.સં. ૧૯૭૬ ના મહા શુદી ૧૧ ના દિને પૂ. આ. ભ. શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા.ના પરિવાર માં દીક્ષિત થયા અને પૂ. મુનિ શ્રી પ્રતાપવિજયજી મ. ના શિષ્યરૂપે પૂ. મુનિ શ્રી ધર્મવિજયજી મ. બન્યા. સતત ૧૪ વર્ષના અભ્યાસ બાદ સમર્થ વિદ્વાન બનેલ પૂજ્યશ્રીએ વિ.સં. ૧૯૯૦ માં માત્ર ૧૪ વર્ષના સંયમપર્યાયમાં શ્રી નવતત્વ પ્રકરણ પર ૬૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકાનું સર્જન કર્યું, તો પંચમ કર્મગ્રંથ , ષટ્-ત્રિંશિકા , ચતુષ્કપ્રકરણ , ક્ષેત્રસમાસ , વંદિત્તુસૂત્ર વગેરે ગ્રંથો પર પ્રૌઢ વિવેચનો પ્રકાશિત કર્યા. દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા ગણાતા તેઓશ્રીના 'ભગવતી સૂત્રના પ્રવચનો' ગ્રંથની અને 'શ્રમણ ભગવાન મહાવીર' પુસ્તકની સાત-સાત આવૃત્તિઓ થઇ છે. વિ.સં. ૧૯૯૨ માં ગણિ-પંન્યાસપદ, વિ.સં. ૨૦૦૨ માં ઉપાધ્યાયપદ, વિ.સં. ૨૦૦૭ માં આચાર્યપદ અને વિ.સં. ૨૦૨૦ માં 'યુગદિવાકર' પદથી અલંકૃત થયેલ પૂજ્યશ્રી ૨૫૦ શ્રમણ-શ્રમણીગણના શિરછત્ર હતા.

આ કાલના મહાન પ્રભાવક પૂજ્યશ્રીની પ્રેરણા થી ૧૩૫ જિનાલયો-૮૪ ઉપાશ્રયો- અનેક પાઠશાળાઓ- આયંબિલ શાળાઓના નિર્માણ થયા, તો ૩૨ ઉપધાનતપ - મુંબઈથી શત્રુંજય મહાતીર્થના ૭૨ દિવસીય ઐતિહાસિક પદયાત્રા સંઘ જેવા ત્રણ-ત્રણ મોટા ૬'રી પાલક સંઘો - શત્રુંજય હોસ્પિટલ નિર્માણ - મુંબઈ ભૂલેશ્વર માં પાંચમજલી વિરાટ ધર્મશાળા નિર્માણ - સાધર્મિક સેવા - સંઘસ્થાપના - ૨૫ મોટા ઉપધાનો આદિ અઢળક શાસન પ્રભાવનાઓ સર્જાઈ છે. વિ.સં. ૨૦૩૮ માં ફાગણ શુદિ તેરશના પુણ્યદિને મુંબઈ-મજગામમાં તેઓશ્રી અદ્ભુત સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે ૧ જ દિવસમાં ૩ લાખ ભાવિકોએ તેમના અંતિમ દર્શન કર્યા. ફાગણ શુદિ - ૧૪ ના મુંબઈ-ગોડીજીથી ચેમ્બુર સુધીની ૨૧ કિમી દીર્ધ વિશ્વ-રેકોર્ડરૂપ પૂજ્ય્શ્રીની અંતિમ યાત્રામાં અઢી લાખ ભાવિકો પદયાત્રાપૂર્વક સામેલ થયા હતા. ચેમ્બુરર્તીર્થે જેઓશ્રીનું અંતિમ-સમાધિમંદિર છે તે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન...

Read More




Jain Aacharya Shree SuryodaySuri Ji M.S.

પ્રૌઢપ્રભાવશાળી દર્ભાવતીતીર્થોદ્ધારક

શ્રી વિજય સૂર્યોદયસૂરિશ્વરજી મ.સા.

ધર્મભૂમિ દર્ભાવતી તીર્થે વિ.સં. ૧૯૮૮ ના મહા વદિ ચૌદશે પિતાશ્રી ચીમનભાઈ તથા માતા શ્રો મણિબેનના કુળમાં સેવંતીકુમારરૂપે જન્મ, પૂ. યુગદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કથી ૧૨ વર્ષની વયે સંયમની ભાવના અને ચારેક વર્ષની તાલીમ બાદ વિ.સં. ૨૦૦૪ ના ફાગણ શુદિ બીજે પૂ. યુગદિવાકરશ્રી ના વરદ હસ્તે દીક્ષા, વ્યાકરણ - સાહિત્ય - ન્યાયની કલકત્તા યુનીવર્સીટીની તમામ સંસ્કૃત પરીક્ષાઓમાં First Class First ઉત્તીર્ણ થઇ 'તીર્થ' પદવી, ક્રમશઃ ગણિ - પંન્યાસ પદાર્પણ બાદ વિ.સં. ૨૦૪૪ ના કા. વદિ સાતમે આચાર્ય પદારોહણ, ૧૨ શિષ્ય-પ્રશિષ્યોનું ગુરુપદ અને ૬૮ વર્ષના સુદીર્ધ સંયમપર્યાયના અંતે વિ.સં. ૨૦૭૧ ના જેઠ વદિ ત્રીજે અંતિમવિદાય : આ છે પૂજ્યશ્રીના જીવનના સંક્ષિપ્ત 'માઈલસ્ટોન'.

પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીની હયાતિ દરમ્યાન સતત ૩૮ વર્ષ અખંડ ગુરુકુલવાસ અને તેઓશ્રીના તમામ શાશનપ્રભાવનાઓમાં સર્વોત્કૃષ્ટ સહયોગ આપનાર પૂજ્યશ્રીએ ગુરુદેવના કાળધર્મ બાદ સ્વતંત્ર શાસનપ્રભાવના શરુ કરી હતી. તેમાં ૧૩ ક્રોડ રૂ. ના ખર્ચે જન્મભૂમિ દર્ભાવતી તીર્થનો ઉદ્ધાર, નેશનલ હાઈવે નં - ૮ ઉપર મુંબઈ પાસે વિરાટ ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ તીર્થની તથા વિવિધ વિહારધામની સ્થાપના, વિ.સં. ૨૦૭૧ સુધીમાં ૧૫ અંજનશલાકા, ૮૩ પ્રતિષ્ઠાઓ - ૧૫ પદયાત્રા સંઘો - ૨૧ ઉપધાન તપ - ૮૧ જિનાલયો + ઉપાશ્રયોના નિર્માણ વગેરે ધર્મપ્રભાવનાઓ કરવા ઉપરાંત પૂજ્યશ્રીએ કુલ ૧૯ ગ્રંથો - પુસ્તકોના સંપાદન - સંશોધનાદિ કર્યા છે. જેમાં ૬ હજાર શ્લોક પ્રમાણ નવતત્વ - સુમંગલા ટીકા નામે સંસ્કૃત ગ્રંથનો દસ હજાર શ્લોક પ્રમાણ તેઓએ રચેલ ગુર્જર ભાવાનુવાદ ગ્રંથ શિરમોર છે. કાળધર્મ સમયે ૨૯ કિ.મી. દીર્ધ પગપાળા ઐતિહસિક પાલખીયાત્રામાં સવા લાખની જનમેદની , અંતિમ સંસ્કાર સમયે ૫ કરોડની ઉપજ, ૮૪ સંઘોમાં - ગુરુ સ્મૃતિ મહોત્સવો અને ઈ.સ. ૨૦૨૦ સુધીમાં ૨૫ સ્થળે ગુરુમંદિર નિર્માણ : આ પૂજ્યશ્રીના પ્રબળ પુણ્યપ્રભાવની દ્યોતક ઘટના છે. પુણ્ય પ્રભાવશાળી પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન...


Shree Lodhan ParshwaNath

સિદ્ધહસ્તસાહિત્યસર્જક તેજસ્વીવક્તા પૂજ્યપાદ આચાર્યભગવંત

શ્રી વિજય રાજરત્નસૂરીશ્વરજી મ.સા.

દીક્ષાની ખાણ દર્ભાવતી તીર્થે વિ.સં. ૨૦૨૩ ના દીવાળી પર્વે પિતાશ્રી મફતભાઈ તથા માતાશ્રી લીલાબેનના કુલદીપકરૂપે જન્મેલ બાલકુમાર રાજુએ દીક્ષા પૂર્વે સતત પોણા બે વર્ષ પુરિમુડ્ઢ પચ્ચક્ખાણ અને ત્રણેક હજાર ગાથાઓ કંઠસ્થ કરી હતી. ૧૧ વર્ષ ની વયે વિ.સં. ૨૦૩૫ માં માગશર શુદિ - ૫ ના શુભ દિને પાલીતાણા તીર્થે પૂ. યુગદિવાકર આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંયમી બનીને તેઓ પૂ. દર્ભાવતીતીર્થોદ્ધારક આ.ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય બન્યા.

પ્રકાંડ શાસ્ત્રાભ્યાસ અને તેજસ્વી વકતૃત્વશક્તિ ધરાવતા પૂજ્યશ્રી ક્રમશ: ગણિ-પંન્યાસ પદારૂઢ થયા બાદ વિ.સં. ૨૦૬૧ ના પોષ શુદિ ચૌદશે માત્ર ૩૭ વર્ષની વયે પૂ. ગુરુદેવશ્રીના વરદહસ્તે આચાર્ય પદે અલંકૃત થયા. વિ.સં. ૨૦૪૯ થી આજ પર્યંત અખંડપણે "ગુજરાત સમાચાર" ની ગુરુવાર પૂર્તિમાં "અમૃતની અંજલિ" નામે અત્યંત રસપ્રદ - પ્રેરક કોલમનું આલેખન, ઈ.સ. ૨૦૨૦ સુધીમાં "૯૦" લોકપ્રિય પુસ્તકોનું સર્જન કરીને તેમણે સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં તેઓએ આલેખેલ સાતસો પેજ નો "યુગદિવાકર" મહાગ્રંથ તેમજ સાતસો પેજ નો "તમે સૂરજ થઈને ચમક્યા" મહાગ્રંથ શિરમોર છે. ૧૮ શિષ્યો-પ્રશિષ્યો ધરાવતા પૂજ્યશ્રીએ સૂરિમન્ત્રની પાંચ પીઠિકાઓ તપ-જપ સહિત આરાધવા ઉપરાંત વિ.સં. ૨૦૭૦ માં વર્ષીતપ સાધના કરી છે. આજીવન અંતેવાસી રહીને ગુરુદેવની સર્વ શાસનપ્રભાવનાઓમાં પ્રાણરૂપ બની રહેલ પૂજ્યશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠાઓ - ઉપધાનતપ - પદયાત્રા સંઘો - નવાણું આદિ શાસનપ્રભાવનાઓની અવિરત પરંપરા સર્જાઈ રહી છે, તો યુગદિવાકર ગુરુદેવશ્રી તેમજ દર્ભાવતીતીર્થોદ્ધારક ગુરુદેવશ્રી ની પુણ્યસ્મૃતિમાં તેઓશ્રીની પ્રેરણા - માર્ગદર્શનથી નેશનલ હાઈવે નં. ૮ પર મુંબઈથી નિકટ "શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ" તથા "શ્રી ધર્મસૂર્યોદયધામ જીરાવલા પાર્શ્વનાથ તીર્થ" રૂપે બે ભવ્ય તીર્થોનું નિર્માણ થયું છે. ઉપરાંત તેઓશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવ આ.ભ. શ્રી સૂર્યોદયસુરીશ્વરજી મ.સા. ના (ઈ.સ. ૨૦૨૦ સુધીમાં) ૩૧ ગુરૂમંદિરો ની પ્રતિષ્ઠા થઇ છે અને હજુ પાંચ ગુરુમંદિરો ની સંભાવના છે, જે તેમના પર વરસતી અનરાધાર ગુરુકૃપાનું પ્રતીક છે. ગુરુભક્તિ - ગુરુકૃપાના પરમનિધાન સિદ્ધહસ્તસર્જક પૂજ્યશ્રીને વિનમ્ર વંદન...

    © 2018 Dharmakrupa       Designed & Developed By : MONTS